૧૫મી જાન્યુઆરીના રોજ મે મારી મુસાફરીની શરૂઆત સૌરાષ્ટ્ર મેઇલ દ્વારા કરી અને ૧૬મી ના રોજ વહેલી સવારે દાદર થી કલ્યાણ એમ સેંટ્રલ લાઇનમાં મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેન માં પ્રવાસને આગળ ધપાવ્યો. કલ્યાણમાં મારે નાસ્કૉમ ફાઉંડેશન ના મેનેજર શ્રી વિકાસ કાંબળે ને ઘરે જવાનું હતું અને કલ્યાણ થી જ તે રાત્રે મારે અને વિકાસભાઈને બેલગામની ટ્રેન ચાલુક્ય એક્સપ્રેસ લેવાની હતી. વિકાસભાઈ ને ત્યાં જઈને ઘણું સારું લાગ્યું, તેમના કુટુંબીજનોને મળીને આનંદ થયો. તેમને ત્યાં મળેલા સન્માન બદલ હું તેમનો ઋણી રહીશ.
૧૭મી ના સવારે અમે બેલગામ રેલ્વે સ્ટેશન પર આવ્યા અને ત્યાં થી ઓટો લઈ બેલગામના તિલકવાડી વિસ્તારમાં KLE કોલેજના ગેસ્ટ હાઉસમાં જ્યાં અમને ઉતારો આપવામાં આવ્યો હતો ત્યાં પહોચ્યા. બેલગામ એ કર્ણાટક નું ટાઉન છે જે મહારાષ્ટ્ર અને કર્નાટક ની સીમા સમાન છે. ત્યાં ના લોકો મરાઠી, કનડ અને હિન્દી ભાષાઓ જાણે છે. અને હાં અંગ્રેજી બોલવાવાળા તો ખરાં જ !
ઉતારા માટે આપવામાં આવેલ ફ્લૅટ ખુબજ સુંદર જગ્યામાં હતો કે જેના ટેરેસ પરથી પૂરા બેલગામ ને નિહાળી શકાતું હતું, બાજુ માથી પસાર થતી રેલ્વે લાઇન પૂરા વિસ્તારને તેની વિસલ વડે ગુંજાવતી હતી. ટ્રેન નું પસાર થવાનું દ્રશ્ય જોવા લાયક હતું. આરામ કરી અમે KLE એંજીન્યરિંગ કોલેજ પહોંચ્યા કે જેની લેબમાં ૪ દિવસ અમારો કનેક્ટ આઇ.ટી. વર્કશૉપ થવાનો હતો. લેબ ના ઈલેક્ટ્રોનિક સાધનો ના ચેકિંગ અને સોફ્ટવેર અપડેટેશન માટે અમારે પ્રથમ દિવસ ફાળવવો પડે છે. પ્રથમ દિવસે બપોરે અમે કોલેજ કેન્ટીન માં રાજસ્થાની થાળી જમ્યા, સાત્વિક અને સ્વાદિષ્ટ ખોરાક લાગ્યો. રાજસ્થાની સ્વાદ થોડાં અંશે ગુજરાતી સ્વાદને મળતો આવે છે. તો બસ આમ અમારા કનેક્ટ આઇ.ટી. વર્કશૉપની શરૂઆત થઈ.
આ વખતે પણ ઘણા નવા લોકો મળ્યા, તેઓ માના કોઈ કનડ હતા, મલયાલી હતા, મરાઠી હતા તો કોઈ વળી ગુજરાતી મૂળ નું પણ મળ્યું ખરું! અપેક્ષા મુજબ ખુબજ સારો વર્કશૉપ રહ્યો. ૪ દિવસ દરમિયાન બેલગામ ની ઘણી જગ્યાઓ જવા મળ્યું, જમવા માટે તિલકવાડીમાં જ ‘અર્પણ’ નામની એક હોટેલ સારી લાગી તો ત્યાં જ જમવાનું નક્કી કર્યું. એક દિવસ તે જ વિસ્તારમાં આવેલ ‘પિક એંડ પૅક’ હોટેલ માં ગયો, તે હોટેલ નોન વેજ આઇટમ માટે પ્રખ્યાત છે. ચિકન ટિક્કા, ચિકન કબાબ તેના મુખ્ય આકર્ષણની વાનગીઓ છે. ત્યાં જમવાની મજા આવી. અગર ક્યારે પણ તમારે બેલગામ જવાનું થાય તો ત્યાં જમવા જવાનું ના જ ભૂલતા!
બીજું, KLE કોલેજ નું બિલ્ડિંગ બહુ જ વિશાળ છે. આગળના ભાગ માં સુંદર ગાર્ડન છે જેમાં મે ફોટો શુટ કર્યા, લોકેશન રળિયામણું હોવાથી ફોટો ખુબજ સારા આવે છે. આપ મારા KLE ના ફોટો ફેસબુક પર જોઈ શકશો. ગુરુવારે વિકાસભાઈ સાથે સાઈ મંદિરે ગયો, તેઓ દર્શન કરવા ગયા ત્યારે હું ત્યાં ઊભીને દર્શન માટે આવી રહેલા ભક્તોને નિહાળી રહ્યો હતો. ગુરુવાર હોવાથી મંદિરમાં બહુ ભીડ હતી. કેહવાય છે કે સાઈ મંદિરમાં દર ગુરુવારે બહુ ભીડ હોય છે. પણ તેવી ભીડમાં પણ મંદિરે આવી પૂજા કરતાં અને દર્શન કરતાં લોકોને જોય આનંદ ઉપજયો. વળી, બેલગામ માં ફરવા માટે ‘ફોર્ટ’ (કિલ્લો) પણ પ્રખ્યાત છે, કોઈ એક વિદ્યાર્થી એ અમને સૂચવ્યું કે બેલગામ આવ્યા છો તો ફોર્ટ પણ જજો. અમે ત્યાં જવાનું વિચાર્યું પણ ત્યાં અમે ફરી વળ્યા પણ ‘કિલ્લો’ ના દેખાયો! છેવટે એક સુરક્ષકર્મી ને અમે પુછ્યું, ‘ભાઈ, (ફોર્ટ) કિલ્લો ક્યાં છે?’ તે સાંભળીને મલકાયો અને કહ્યું, ‘સાહેબ, અહી કોઈ કિલ્લો નથી! પણ આ જગ્યા ને બેલગામ ફોર્ટ તરીકે ઓળખવામાં આવે છે.’ જોયુને ખબર ના હોય તો આમ થાય! પણ ફોર્ટ વિસ્તાર માં જવાથી અમને એ જગ્યા જોવા મળી કે જ્યાં સ્વામિ વિવેકાનંદજી પોતાની બેલગામ મુલાકાત દરમ્યાન રોકાયા હતા, આજે તે જગ્યા પર ખુબજ સુંદર મંદિર છે અને તે રૂમ પણ છે કે જ્યાં સ્વામીજી રોકાયા હતા. એકંદરે અમારી કિલ્લા ની મુલાકાત સફળ રહી!
શુક્રવારે મારે રિટર્ન આવવાનું હતું, બેલગામ ની કૈંપ પુરોહિતની સ્વીટ્સ (મીઠાઇ) વખણાય છે તો ખરીદી કરી અને સાંગોદ્રાં રિટર્ન આવવા નીકળ્યો. મારી રિટર્ન મુસાફરી ૩ ટ્રિપમાં હતી. પહેલા બેલગામ થી વોલ્વો બસ દ્વારા ૨૨ ના સવારના દાદર પહોંચ્યો અને મુંબઈ સેંટ્રલ ગયો ત્યાંથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માં અમદાવાદ સુધીનું બૂકિંગ હતું. રાત્રે અમદાવાદ આવીને ‘મોતી મહલ’ માં જમવા જવાનું વિચાર્યું. વેરાવળ માટે સોમનાથ એક્સપ્રેસ માં બૂકિંગ હતું. ટ્રેન માં બેસતા જ એક ફૅમિલી મળ્યું કે જેઓ કર્નાટક થી સોમનાથ દર્શન માટે જઈ રહ્યા હતા. તેઓને સોમનાથ માટે થોડી માહિતી જોઈતી હતી માટે તેઓને પ્રવાસ અંગે ની બધી માહિતીઑ આપી. ।।અતિથિ દેવો ભવ।। સારું લાગે છે જ્યારે કોઈ કહે છે કે ‘તમે ભાગ્યશાળી છો કે ભગવાન ની ભૂમિ ગુજરાત માં રહો છો!’ સાચે ગુજરાતના અને એમાં પણ ગીરના રહેવાસી હોવા માટે ગર્વ છે!
આમ, મારી આ સફર પૂર્ણ થઈ અને હવે ન્યુ સિટી, ન્યુ બિગીનિંગ! આવજો...
કરીમ, તમે પતા છે, મને થોડું થોડું ગુજરાતી આવડું છે. મને તમારા બ્લોગ સારું લાગુ છે. ઘણું સારું પ્રયત્ન છે!Keep it on! - Vikas
ReplyDelete